Psalms 51

1હે ઈશ્વર, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો;
તમારી પુષ્કળ કૃપાથી મારા અપરાધો માફ કરો.
2મારા અપરાધથી મને પૂરો ધૂઓ
અને મારા પાપોથી મને શુદ્ધ કરો.

3કેમ કે હું મારા અપરાધો જાણું છું

અને મારું પાપ નિત્ય મારી આગળ છે.
4તમારી, હા, તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે
અને જે તમારી દ્રષ્ટિમાં ખરાબ છે તે મેં કર્યું છે;
તેથી જ્યારે તમે બોલો, ત્યારે તમે ન્યાયી ઠરો;
અને તમે ન્યાય કરો, ત્યારે તમે નિર્દોષ ઠરો.

5જુઓ, હું અન્યાયીપણામાં જન્મ્યો હતો;

મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો હતો.
6તમે તમારા હૃદયમાં અંત:કરણની સત્યતા માગો છો;
મારા હૃદયને તમે ડહાપણ શીખવશો.

7ઝૂફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ;

મને નવડાવો એટલે હું હિમ કરતાં સફેદ થઈશ.
8મને હર્ષ તથા આનંદ સંભળાવો
એટલે જે હાડકાં તમે ભાંગ્યાં છે તેઓ આનંદ કરે.
9મારાં પાપ તરફ નજર ન કરો
અને મારા સર્વ અન્યાય ક્ષમા કરો.

10હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો

અને મારા આત્માને નવો અને દ્રઢ કરો.
11મને તમારી સંમુખથી દૂર ન કરો
અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહિ.

12તમારા ઉદ્ધારનો હર્ષ મને પાછો આપો

અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખો.
13ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ
અને પાપીઓ તમારા તરફ ફરશે.

14હે ઈશ્વર, મારા ઉદ્ધારનાર, ખૂનના દોષથી મને માફ કરો

અને હું મારી જીભે તમારા ન્યાયીપણા વિષે મોટેથી ગાઈશ.
15હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો
એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.
16કેમ કે તમે બલિદાનોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત;
તમે દહનીયાર્પણથી આનંદ પામતા નથી.

17ઈશ્વરના બલિદાનો તો રાંક મન છે;

હે ઈશ્વર, તમે રાંક અને નમ્ર હૃદયને ધિક્કારશો નહિ.

18તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો;
યરુશાલેમના કોટોને ફરી બાંધો.
પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ
તથા સર્વ દહનાર્પણથી તમે આનંદ પામશો;
પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.
19

Copyright information for GujULB